સંભાળના છોડ પર ખીલે સંબંધનાં તાજાં ફૂલ
Source: Shefali Pandya, Coverstory
સંબંધની સરગમમાં ઉમળકાનો લય તૂટે નહીં તે માટે સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ન લેવા જોઈએ. ઘરના તમામ સભ્યોની જરૂરિયાતનું ખડે પગે ધ્યાન રાખતી મહિલાની લાગણીની દરકાર પરિવારના સભ્યોએ અચૂક કરવી જોઈએ. કમ સે કમ આપણા માટે જે કંઈ કરે છે તેની નોંધ લઈ વળતરરરૂપે પ્રશંસાના બે શબ્દો પણ જો કહીશું તો સંબંધનો સૂર ક્યારેય બેસૂરો નહીં થાય.દીપિકા વર્કિંગ વુમન હોવાની સાથે ગૃહિણી તરીકેની ફરજ પણ સારી રીતે બજાવતી. સંયુક્ત પરિવારમાં રહેતી હોવાથી ઘરનું તમામ કામકાજ કુશળતાથી સંભાળતી. ઘરમાં સૌને એની એવી આદત પડી ગયેલી કે કોઇને એના વિના ચાલે નહીં. કંઇ પણ કામ હોય, દીપિકાએ જ કરવાનું. દીકરી માટે દૂધ બનાવવાથી લઇ, પતિ માટે ટિફિન, સાસુને મંદિરે જવા માટે પૂજાની થાળી, સસરાજી માટે સવારમાં બે વખત ચા બધું દીપિકા કરતી. જો કે હમણાંથી એને લાગતું હતું કે પોતે પરિવાર માટે દિવસભર કામ કરતી રહે છે, પણ પરિવારમાંથી કોઇ એને પૂછે છે ખરું કે દીપિકા તારે કંઇ મદદની જરૂર છે? તેમને ધીરે ધીરે એવી લાગણી ઊભી થવા લાગી હતી કે પોતાની આ ઘરમાં કિંમત નથી. સવાલ એ છે કે શા માટે દીપિકાએ જ બધાનું ધ્યાન રાખવાનું? કોઈ દીપિકાનું ધ્યાન શા માટે ન રાખે?
ઉપર જણાવ્યું તેવું આપણી સૌની સાથે થાય છે. સંબંધોમાં આવી વૃત્તિ જાણ્યે-અજાણ્યે આવી જતી હોય છે. જેને તમે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ કહી શકો. આવા ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ સંબંધોમાં વ્યક્તિનું મહત્વ આપણા જીવનમાં ઘણુંબધું હોવા છતાં આપણે તેના અસ્તિત્વને વિસરી જઇએ છીએ. પરિણામે બને છે એવું કે આપણે તેના સુખદુ:ખ, લાગણી, સંવેદના પ્રત્યે બેદરકાર બની જઇએ છીએ અથવા તો તે તરફ ધ્યાન જ નથી આપતાં એમ પણ કહી શકાય. નિકટતમ સંબંધોમાં ખાસ આવું બને છે. દુનિયાની અને સમાજની ચિંતા કરવામાં આપણે પોતાનાની ચિંતા કરવાનું ભૂલી જઇએ છીએ, તેમના અસ્તિત્વને વિસરી જઇએ છીએ.
માતા-પિતા કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં આવું બનવાની શક્યતા વધારે રહે છે કારણ કે આ સંબંધોમાં એટલી નિકટતા હોય છે કે સામેવાળી વ્યક્તિનું પણ આગવું અસ્તિત્વ હોય તેનો વિચાર નથી આવતો. મિત્રો, પરિચિતો, સહકર્મચારીઓ સાથે આપણે જેટલો સંબંધ રાખીએ છીએ, તેમની સંભાળ બાબતે જેટલા ચિંતિત રહીએ છીએ, તેટલા અંગત સંબંધોમાં નથી રહેતા.
સવાલ એ થાય કે આવું કેમ બને છે? તેનું કારણ શું? તેનું કારણ છે, સ્વકેન્દ્રિતા. દીપિકાના કિસ્સામાં એ ઘરના દરેકની સંભાળ રાખે છે. બધાં તેના પર આધારિત છે અને એ દરેકની જરૂરિયાતની પૂર્તિ કરતી રહે છે. એવામાં એ પોતે પણ એક વ્યક્તિ છે, એનું આગવું અસ્તિત્વ છે એ વાત બધાં ભૂલી જાય છે.
સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવા પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને જરૂર હોય ત્યારે આપણી આત્મીય વ્યક્તિ તો સાથે છે જ, પરંતુ એના પ્રત્યે આપણી કોઇ જવાબદારી નથી? આપણે એટલા સ્વાર્થી બની જઇએ છીએ કે તેમની પાસેથી આશા રાખવા લાગીએ છીએ, પણ તેઓ આપણી પાસેથી ક્યારેક કંઇ આશા રાખતાં હશે તેવો વિચાર પણ આપણને આવતો નથી. આપણે ક્યારેય એની મરજી-નામરજી, ઇચ્છા, ગમા-અણગમા કે જરૂરિયાત વિશે જાણવાની કોશિશ જ નથી કરતાં. આવી વૃત્તિને કારણે સંબંધોમાંથી ઉમળકો ઊડી જાય છે. સંબંધમાં રહેલી ભીનાશ ધીરે ધીરે નાશ પામે છે અને સામેવાળી વ્યક્તિને પોતે હાંસિયામાં ધકેલાઇ રહી હોવાનો અનુભવ થવા લાગે છે. પરિણામે સંબંધોનું લીલુંછમ ઝાડ ઠૂંઠું બની જાય છે.
સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ન લેતાં થોડો સમય ફાળવીને એક વાર વિચાર કરવાની જરૂર છે કે જે વ્યક્તિનું આપણા જીવનમાં આટલું બધું મહત્વ છે તેના માટે આપણે શું કરીએ છીએ? સંબંધની સરગમમાં ઉમળકાનો લય તૂટે નહીં એ માટે આપણે શું કર્યું? સંબંધનો છોડ સતત વિકસતો રહે તે માટે ક્યારેય કોઇ પ્રયત્ન કર્યો છે ખરો?
સંબંધોને બચાવવા માટે એને સતત સિંચનની જરૂર છે - પ્રેમ, શબ્દો, લાગણીના સિંચનથી એને જીવિત રાખવા જોઇએ. આપણા જીવનમાં એ વ્યક્તિ છે, તેના અસ્તિત્વને સ્વીકારીએ, તેના પ્રત્યે આભારી રહીએ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, એ વ્યક્તિને ખુશ રાખવાનો. કેટલીક સામાન્ય છતાં નાની-નાની બાબતો પણ સંબંધોનો ઉમળકો જાળવવામાં ઉપયોગી નીવડે છે. જેમ કે, મમ્મી, આજે તેં રસોઇ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે એવું પોતાના સંતાનના મુખેથી સાંભળીને માતાનો આખા દિવસનો થાક ઉતરી જાય છે. ક્યારેક લોંગ ડ્રાઇવ પર જવું કે રજાના દિવસે પરિવારના સભ્યો સાથે મળીને વાતો કરે અથવા કોઇ રમત રમે જેવી પ્રવૃત્તિથી સંબંધોમાં ઉમળકો જળવાવાની સાથે તાજગી અનુભવાય છે. આત્મીયજન ખુશ હશે, તો જીવન ખુશાલીભર્યું બની જશે.