મડ-મિરર વર્કથી ડ્રોઇંગરૂમમાં રોનક
Source: Shefali Pandya, Sajavat
{ શેફાલી પંડ્યા ‘અમી’ }સજાવટ
{ શેફાલી પંડ્યા ‘અમી’ }સજાવટ
કોઇ યુવતી સ્કૂલની મેનેજિંગ ટ્ર્સ્ટી હોય અને છતાં પોતાના શોખને પોષવા સ્કૂલમાં આર્ટના ક્લાસીસ ચલાવે અને બાળકોને શીખવવામાં પોતાની કલાનો ઉપયોગ કરે તો સોનામાં સુગંધ ભળી ગણાય ને? આ યુવતીનું નામ છે, સોનલબહેન જલુ. મૂળ કેશોદમાં જન્મેલાં અને મોટા થયેલાં સોનલબહેનને નાનપણથી જ ડ્રોઇંગનો શોખ હતો. તેઓ કહે છે, ‘મારા મમ્મી-પપ્પાએ મારા શોખને પૂરતું પ્રોત્સાહન આપ્યું, પણ મારે ફાઇન આર્ટ્સનો કોર્સ કરવો હતો. જે માત્ર અમદાવાદ કે વડોદરામાં થઇ શકે તેમ હતો. મારા પપ્પાએ કહ્યું કે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરું, પછી ફાઇન આર્ટસનો કોર્સ કરું. પપ્પાની ઇચ્છાને માન આપીને મેં એમ.એ., બી.એડ. ઇંગ્લિશ વિષય સાથે કર્યું.’
સોનલબહેન હાલમાં રાજકોટની નવયુગ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમણે કોઇ પણ ક્લાસીસ ભર્યા વિના આપસૂઝથી અનેક પેઇન્ટિંગ અને વોલપીસ બનાવ્યા છે. જેમાં કેન્વાસ પેઇન્ટિંગ, ફિંગર પેઇન્ટિંગ, વેકસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, મડ-મિરર વર્ક વગેરેનો સમાવેશ થાય છે. સોનલબહેન કહે છે, ‘મારા શોખને મારા પતિ અને સાસરિયાં તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. મારી દીકરી નાની હોવા છતાં મારા પતિ અને સાસરિયાંએ મને મારો શોખ પૂરો કરવા પૂરતો સહકાર આપ્યો છે.’ સોનલબહેન પાસેથી મડ-મિરર વર્કનો વોલપીસ કેવી રીતે બનાવવો તે શીખીએ. મડ-મિરર વર્ક માટે તમારે જોઇશે - માઉન્ટ બોર્ડ, ટ્રેડિશનલ ચિત્ર, ફેવિકોલ, કલર, કોલામેન પાઉડર. માઉન્ટ બોર્ડ એ માટીના રંગનું જ બોર્ડ આવે છે.
તેના પર તમને ગમતા ટ્રેડિશનલ ચિત્રની ડિઝાઈન દોરો. કોલામેન પાઉડરમાં ફેવિકોલ અને પાણી મિક્સ કરો અને તેને મેંદી મૂકવાનો કોન આવે છે, તેમાં ભરી લો. બોર્ડ પર પહેલાં ડિઝાઈન દોરી તેમાં જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં મિરર લગાવો. ત્યાર બાદ ડિઝાઈનમાં કલર પૂરો. સૂકાઇ જાય એટલે ફિનિશિંગ ટચ આપી મડ-મિરર વર્ક કરેલા વોલપીસને ડ્રોઇંગરૂમની દીવાલ પર સજાવો.
No comments:
Post a Comment