તોલ મોલ કે બોલ
Source: Sefali Pandya |
આપણે ક્યારેક એવી વાત એવા સંજોગોમાં બોલી જઇએ છીએ, જેના કારણે લોકોમાં ક્યારેક હાંસીપાત્ર કે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. એટલે જ તો કહેવાય છે કે ‘વિચારીને બોલો.’ જો કોઇ પણ વાત મોંમાંથી નીકળે તે પહેલાં સ્થળ, સમય અને સંજોગોનો વિચાર કરવામાં આવે તો સંબંધો વણસતાં અટકાવી શકાય છે.
આપણામાં કહેવત છે કે, ‘બોલતાં પહેલાં બે વાર વિચારો.’ આ કહેવત જેણે પણ કહી હશે, તેનો હેતુ સારો જ હશે અને જો તમે શાંતિથી વિચારો તો ખ્યાલ આવશે કે ઘણી વાર અચાનક કોઇ એવી વાત મોંમાંથી નીકળી જાય છે કે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ જવાય અથવા કયારેક વિના કારણે હોબાળો મચી જાય છે. ભલે બોલનારી વ્યકિત તમે, હું કે બીજી કોઇ પણ હોય અને તેનો આશય કોઇને ઠેસ કે દુ:ખ પહોંચાડવાનો ન હોય. તેમ છતાં એવું બને છે કે અજાણતાં જ કહેવાઇ ગયેલી વાતનું વતેસર થઇ જાય છે. અરે! કયારેક તો સંબંધો પણ તૂટી જવાના કિસ્સા બને છે.
રશ્મિના કિસ્સામાં એવું બન્યું કે એનાં સાસુનું અવસાન થયું. બારમા-તેરમાની વિધિ માટે નજીકમાં જ એક હોલ ભાડે રાખ્યો હતો. વિધિ ચાલતી હતી અને સૌ સગાં-વહાલાં દુ:ખી, ગમગીન હૈયે બેઠા હતાં. વિધિ પૂરી થઇ અને બધાં વિખેરાવાની તૈયારી કરતાં હતાં, ત્યાં રશ્મિ બોલી, ‘આ જગ્યા આમ તો સારી છે. ઘ્યાનથી જોઇ લો જેથી ફરી વાર આવવામાં કોઇને મુશ્કેલી ન પડે. હોલ સારો એવો વિશાળ છે. મને તો વિચાર આવે છે કે મારી દીપુના લગ્ન વખતે આ જ હોલમાં સંગીતસંઘ્યાનો કાર્યક્રમ રાખું, તો વધારે સારું રહેશે.’ રશ્મિના મોંએથી આવી વાત સાંભળીને બધાં ચોંકી ગયાં.
આ તરફ રશ્મિ પણ બોલતાં તો બોલી ગઇ, પણ પછી એને ખ્યાલ આવ્યો કે પોતે શું બોલી ગઇ. એને પણ થયું કે અત્યારે આવી વાત કહેવા જેવી નહોતી, પણ હવે શું થાય? કવિ કલાપીનું પેલું કાવ્ય છે ને, ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો...’ બસ, આવું જ કંઇક બને છે. પથરો ફેંકી દીધા પછી અને ભાથામાંથી બાણ નીકળી ગયા પછી તે સામેવાળી વ્યકિતને ઘાયલ કર્યા વિના નથી રહેતાં. એવું જ કંઇક વાણીનું પણ છે. એક વાર શબ્દો મોંમાંથી નીકળી ગયા તો ખલાસ!
કહેવા પાછળનો આશય ભલે કંઇ ન હોય, સમજ્યા-વિચાર્યા વિના અનાયાસે જ બોલાઇ ગયું હોય, પણ સાંભળનારાના મનમાં ગેરસમજ ઊભી થાય છે અને કહેનારાની છાપ કાયમ માટે ખરડાઇ જાય છે. એક પરિચિતની દીકરીને પણ આવી જ ટેવ. કંઇ પણ જોયા-જાણ્યા કે સમજયા-વિચાર્યા વગર મનમાં આવે તે બોલી નાખે. એક વાર વાતવાતમાં એનાં સાસુને કહ્યું, ‘મમ્મી, તમારો જન્મદિવસ નજીક આવે છે, ત્યારે તમારા દીકરાને કહેજો તમને હીરાનો હાર અપાવે. તમારી સાથે મને પણ ફાયદો થશે.
તમારા માટે તમારો દીકરો રૂપિયા ખર્ચવામાં વિચાર નહીં કરે, તમે જે માગશો તે અપાવી જ દેશે. થોડા દિવસ તમે પહેરજો પછી તો મારે જ પહેરવાનો છે.’ બસ, આ છેલ્લું વાકય સાસુના હૈયા સોંસરવું ઉતરી ગયું. એમના મનમાં કાયમ માટે દીકરાની વહુની વાતનો ખટકો રહી ગયો.
આપણે ઘણી વાર આગળ-પાછળનું વિચાર્યા વિના કે સમજયા વિના બોલી નાખીએ જેના કારણે પોતે હાસ્યાસ્પદ કે શરમજનક સ્થિતિમાં મૂકાવા ઉપરાંત આપણી છાપ ગમાર, બેવકૂફ કે અક્કલ વિનાની વ્યકિત તરીકેની અંકાઇ જાય છે. ઉપરાંત, સામાન્ય એવી વાતથી પણ સંબંધોમાં કટુતા પ્રસરી જાય છે. અલબત્ત, એના અર્થ એવો નથી થતો કે બિલકુલ બોલવું જ નહીં. બોલો ખરા, પણ કયાં, કયારે, શું અને કેટલું બોલવું તેનો વિચાર કરો અને પછી બોલો. તો તમારી વાતની ધારી અસર પણ થશે.
હા, ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઇએ કહેલી વાતની રજૂઆત કરવાની આપણી રીત ખોટી હોય છે. તેના કારણે પણ ગેરસમજ ઊભી થઇ શકે છે. આવું બને ત્યારે તરત જ સ્પષ્ટતા કરી લો કે તમારા કહેવાનો એવો અર્થ નહોતો કે બે વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ અથવા મનદુ:ખ ઊભું થાય. એટલું જ નહીં, તમારા માટે પણ ગેરસમજ ન ઉદ્દભવવી જોઇએ તેમ જ એવું પણ ન લાગે કે તમે લાગણીહીન છો.
ક્યારેક માનો કે તમારાથી આવી કોઇ વાત કહેવાઇ જાય અને તમે એમ વિચારો કે મેં કંઇ એવું નથી કહ્યું કે કોઇને ખરાબ લાગે અથવા તો અહમ રાખીને કે મોં ચડાવીને જતાં રહેવું યોગ્ય નથી. તેના બદલે તમારાથી થાય એટલી સ્પષ્ટતા અવશ્ય કરો. આમ કરવાથી સંબંધોમાં માધુર્ય જળવાઇ રહેશે, તેની સાથોસાથ તમારી સ્પષ્ટતા કરવાની અને ભૂલ સ્વીકારવાની આદતથી લોકોમાં તમે પ્રશંસાપાત્ર પણ બનશો.
માટે આજથી નક્કી કરો કે જે કંઇ બોલશો, તે સમજીવિચારીને બોલશો અને સ્પષ્ટતા કરવાની આદત કેળવશો, તો ક્યારેય હાંસીપાત્ર કે શરમજનક સ્થિતિમાં નહીં મૂકાવું પડે. એટલું જ નહીં, તમારી આવી ટેવને કારણે ભવિષ્યમાં કોઇની સાથે મતભેદ કે ગેરસમજ પણ નહીં ઉદ્દભવે.
No comments:
Post a Comment