Monday, July 19, 2010

કમાણી તારી-મારી-સહિયારી

Source: Shefali Pandya 'Ami'







બે વ્યક્તિની આવકને કારણે ઘરમાં બમણી આવક અને પૂરતી સગવડ મળે છે. અલબત્ત, આ બમણી આવક મેળવવા જતાં સ્ત્રીની પરંપરાગત ભૂમિકા આજે બદલાઇ ગઇ છે. એણે એકસાથે અનેક જવાબદારી નિભાવવી પડે છે. શેફાલી પંડ્યા ‘અમી’ આ બમણી જવાબદારીનું પાવર રિલેશન સમજાવે છે.

આપણા સમાજમાં સદીઓથી એ માન્યતા રહી છે કે પુરુષનું કામ પૈસા કમાવાનું અને સ્ત્રીનું કામ ઘર સંભાળવાનું અને વ્યવસ્થિત રીતે ચલાવવાનું. જો કે આજે ભારતીય સ્ત્રીએ ઘર ચલાવવાની સાથોસાથ ઘરની બહાર નીકળીને અનેક ક્ષેત્રોમાં નિપુણતા મેળવી છે.

પહેલાં એવું મનાતું હતું કે પુરુષ માત્ર પૈસા કમાઇ જાણે છે, પણ કરકસર કરીને થોડી બચત કરીને ગૃહસ્થી ચલાવવાની આવડત સ્ત્રીમાં છે. આ વાતને આજના સંદર્ભમાં જોવા જઇએ તો, સ્ત્રી સમજી-વિચારીને ખર્ચ કરે છે એટલું જ નહીં, પૈસા કમાઇ પણ જાણે છે.

અલબત્ત, મઘ્યમ વર્ગ માટે એટલું સારું છે કે ઘરમાં પતિ-પત્ની બંને કમાતાં હોવાને કારણે જરૂરિયાતની કે પછી સુખ-સુવિધાની વસ્તુઓ ખરીદવામાં મન મારીને બેસી નથી રહેવું પડતું. બીજા શબ્દોમાં, બે વ્યક્તિની આવકને કારણે ઘરમાં બમણી આવક અને પૂરતી સગવડ મળે છે. અલબત્ત, આ બમણી આવક મેળવવા જતાં સ્ત્રીની પરંપરાગત ભૂમિકા આજે બદલાઇ ગઇ છે. એણે એકસાથે અનેક જવાબદારી નિભાવવી પડે છે.

નોકરી કરવાની સાથોસાથ એણે ઘરનું સંચાલન અને બાળકોને ઉછેરવાની જવાબદારી પણ એની હોય છે. ભલે એ આર્થિક રીતે નિર્ભર બની હોય છતાં ઘર અને બાળકોની એની જવાબદારીમાં કંઇ ફેર નથી પડ્યો. હા, એટલું કહી શકાય કે આજની સ્ત્રી તો સમયની સાથે કદમ મિલાવતાં શીખી ગઇ છે, પણ પુરુષ એની માનસિકતામાંથી બહાર નથી નીકળી શક્યો. એ તો આજે પણ પોતાની પત્ની નોકરી કરવાની સાથે આદર્શ ગૃહિણી બની રહે એવું ઇચ્છે છે.

અત્યાર સુધી પરિવારમાં પતિ કમાતો હોવાથી ઘરમાં એનું વર્ચસ્વ વધારે રહેતું હતું, પણ હવે સ્ત્રી આર્થિક રીતે આત્મનિર્ભર થવાથી પરિવારની આવકમાં એનો ફાળો હોય છે. એના આત્મવિશ્વાસમાં વધારો થવાથી હવે એ પતિ પાસે પોતાને જરૂરી વસ્તુ ડરતાં ડરતાં માગવાને બદલે પોતાની ઇચ્છાનુસાર શોખપૂર્તિ અને વસ્તુની ખરીદી કરે છે. મનોવૈજ્ઞાનિકોના મતે, આના કારણે ક્યારેક દાંપત્યસંબંધ પર ગાઢ અસર થાય છે.

પરિવારમાં જે વ્યક્તિ આર્થિક રીતે વધારે સદ્ધર હોય, તેનું સ્થાન વધારે દ્રઢ ગણાય છે. મનોવિજ્ઞાનમાં આને પાવર રીલેશન કહે છે. પહેલાં પતિ કમાતો હોવાથી ઘરમાં એનું જ વર્ચસ્વ રહેતું. આજે સ્થિતિ બદલાઇ છે અને ઘરની આવકમાં પત્ની પણ સમાન ભાગીદાર બની છે. તેના લીધે પરિવાર અને સમાજમાં એનું સ્થાન દ્રઢ બન્યું છે. સંતાનોને મન પણ માનું મહત્વ વધી ગયું છે કેમ કે મમ્મી નોકરી કરવા સાથે તેમને હોમવર્કથી લઇને સ્કૂલની ફી ભરવામાં મદદરૂપ થાય છે.

આર્થિક રીતે સ્વતંત્ર બનવાથી સ્ત્રી પરિવાર અને પોતાના નિર્ણયો જાતે લેતી થઇ છે. તેના લીધે પરિવાર અને સમાજમાં એને માનસન્માન મળે છે. પત્ની આર્થિક રીતે સદ્ધર હોય તો પતિ ઇચ્છવા છતાં પોતાનું ધાર્યું નથી કરી શકતો. અલબત્ત, સમાજ ભલે ગમે એટલો આધુનિક બને કે સ્ત્રીને સમાન અધિકાર આપે તો પણ સ્ત્રી પ્રત્યે પુરુષના દ્રષ્ટિકોણમાં લગીરે પરિવર્તન નથી આવ્યું.

ભલે પતિ-પત્ની સમાન આર્થિક સમાનતા ધરાવતાં હોય છતાં પુરુષનો અહમ એવું ઇચ્છે છે કે ઘરમાં પોતે કહે એમ જ થવું જોઇએ. પત્ની નોકરી કરતી હોવાથી જીવનશૈલીમાં આવતું પરિવર્તન એને પસંદ છે, પરંતુ કારકિર્દીની દોડમાં પત્ની આગળ નીકળે કે વધારે કમાતી હોય તે વાત એનાથી સહન નથી થતી. ખરેખર તો, આજેય ભારતીય પરિવારમાં સુખદ અને સંતુલિત સ્થિતિ એ જ ગણાય છે કે ભલે પત્ની કમાતી હોય, એની આવક પતિની આવકથી ઓછી હોવી જોઇએ.

માનસિકતાની દ્રષ્ટિએ આર્થિક બાબતમાં સ્ત્રી અને પુરુષની માનસિકતા અલગ હોય છે. ભારતીય પુરુષ પોતાની આવકને પોતાની રીતે ખર્ચવાનું પસંદ કરે છે અને તે અંગે પત્નીને જાણ કરવાનું એને જરૂરી નથી લાગતું. જયારે સ્ત્રી કેરિંગ (સંભાળ લેનારી) સ્વભાવની હોય છે. એ પહેલાં પતિ, બાળકો, સંબંધીઓ, બહેનપણીઓ માટે ખર્ચ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત, ભાવતાલ કરવો, ઓછી કિંમતે સારી વસ્તુ ખરીદવી અને કરકસર કરીને ઘર ચલાવવું જેવા ગુણ એનામાં જન્મજાત હોય છે.

સ્ત્રી ભલે ગમે એટલી આર્થિક સદ્ધર કેમ ન હોય, એના મનના એક ખૂણામાં આર્થિક અસુરક્ષાની ભાવના કાયમ રહેલી હોય છે. એ સતત પરિવારને કંઇ આકસ્મિત જરૂર પડે તે અંગે વિચારતી રહે છે અને તે માટે થોડી બચત પણ કરતી રહે છે. વળી, પતિને જાણ ન થાય એ રીતે છાનાં-છપનાં થોડી રકમ બચાવવાની આદત ઘણી જૂની છે.

આવા સ્વભાવને કારણે દંપતી વચ્ચે ક્યારેક મતભેદ થાય છે. એકંદરે એટલું કહી શકાય કે સ્ત્રી આર્થિક રીતે પગભર થવાની સાથે તે આત્મનિર્ભર બની છે, પરિવારનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે.

No comments:

Post a Comment